'ઉંબરો'
ગામડા માં ઉંબરા નું ખૂબ મહત્વ હોય છે.કહેવત છે કે એક વાર પરણી ને આવે પછી વહુ થી ઘર નો ઉંબરો ના ઓળંગાય.
વઢીયાર પંથક નું એક નાનકડું ગામ.એ ગામ માં મંછી પરણી ને આવી.
મંછી એટલે રઘા ની વહુ.
રુપ રુપ નો અંબાર ,જાણે કાચ ની પૂતળી.
રઘલા ને પરણી ને આવી એટલે રઘલા ના ભાઈબંધો પણ બિલાડી ના ટોપ ની જેમ ફૂટી નિકળ્યા.
પણ મંછી એટલે મંછી,નજર ની સાવ ચોખ્ખી....
ખાનદાન કુળ ની છોડી.
ઘર ના ઉંબરા ની બહાર પગ ના મૂકે એવી.
પણ વરસ,બે વરસ,ત્રણ વરસ......
મંછી ને દાડો ચડ્યો નહી.
ગામ માં ઘુસરપુસર થવા લાગી.
પછી ભૂવા ભોપા અને બાધા આખડી નો દોર શરુ થયો.
બે-ત્રણ વરસ એમાં નિકળી ગયાં એટલે દવાખાના ના આંટાફેરા ચાલુ થઈ ગયા.
પણ મંછી ના નસીબ માં સંતાન સુખ નહી લખાયું હોય તે ઘણા ઉપાયો કરવા છતાં મંછી ના વિયાણી તે ના જ વિયાણી.
મંછી ને વાંઝીયાપણું કોરી ખાવા લાગ્યું.એનું શરીર પણ સુકાવા લાગ્યું.
એમાં વળી બે-ત્રણ વરસ ખેતી માં મોળાં પડતાં મંછી અને રઘો શહેર માં કામધંધે આવ્યા.
સામ સામે રુમ ધરાવતી ચાલી માં એક ઓરડી ભાડે રાખી ને મંછી અને રધો રહેવા લાગ્યાં.
બરાબર સામે ની ઓરડી માં ધનજી રહે...
ધનજી નફકરો અને છેલબટાઉ જવાન.મરજી પડે તો કામધંધે જાય અને કમાય એ બધું મોજ માં ઉડાવી દે.
રઘો તો દિવસે કામે જતો રહે.મંછી ઘરે એકલી હોય એટલે મંછી અને ધનજી ની નજર કયારેક કયારેક ટકરાઈ જાય.
મંછી એક નિ:સાસો નાખી ને નજર પાછી વાળી લે.
પણ મંછી ની નજર માં એક વલોપાત હોય,એક ઝંખના ઉછરતી હોય,એક યાચના તરતી હોય.
ઘણી ગડમથલ ના અંતે.....
મન ની પીડા નો ભાર ના સહેવાતાં....
છેવટે એક દિવસે ખરા બપોર નો મોકો જોઈ ને મંછી ઘર નો 'ઉંબરો' ઓળંગી જ ગઈ.
ડૉ.કિશોર ઠકકર.ગાંધીધામ

.png)
0 comments:
Post a Comment