ક્યાંકથી કોઈનું ફરમાન છાનું આવ્યું છે,
ઝેર અમૃત ગણીને પી જવાનું આવ્યું છે.
એક-બે શબ્દ એવા છે નથી ઉકલતા જે,
આમ તો સાવ કોરેકોરું પાનું આવ્યું છે.
બોલ મન, આજ છે ક્યાંનું અગમ્ય આકર્ષણ ?
નોતરું આવ્યું છે તો કઈ જગાનું આવ્યું છે ?
કોણ ઉછરી રહ્યું છે વૃક્ષ જેમ મારામાં ?
રોજ અશ્રુથી જેને સીંચવાનું આવ્યું છે !
કેમ એકાંત કાળુંમેશ છે ફરી આજે ?
આ તમસ આજ પાછું કઈ ગુફાનું આવ્યું છે ?
- બાબુલાલ ચાવડા 'આતુર '

.png)
0 comments:
Post a Comment