બેટા, તારે તો ખુલ્લા આકાશમાં ઉડવાનું છે’
પરદેશથી દીકરો અનંત લગભગ દોઢેક વર્ષે દેશમાં આવ્યો છે. આવ્યો છે ત્યારથી એનાં મમ્મી–પપ્પાને જોયા કરે છે અને ઉંડી ચીન્તામાં પડી જાય છે. ઉદાસ થઈ જાય છે.
એકાદ અઠવાડીયા પછી એ બોલ્યો, ‘‘મમ્મી–પપ્પા, તમે ઘરડાં થઈ ગયાં !’’
‘‘હા દીકરા,’’ આશાબહેને સસ્મીતવદને કહ્યું, ‘‘કોણ જાણે કેમ, અમને પોતાને તો, અમે ઘરડાં થઈ ગયાં છીએ એની કોઈ ચીન્તા જ નથી થતી !’’
‘‘પણ હું ગયો ત્યારે તો તમે આટલાં ઘરડાં ન હતાં, હાથે અને ગળે આટલી કરચલીઓ ન હતી !’’ ઉચાટભર્યા અવાજે અનંત બોલ્યો.
આશાબહેન હસ્યાં અને ઉષ્માપુર્ણ અવાજે બોલ્યાં, ‘‘બેટા, તારે ગયે દોઢ–બે વરસ થવા આવ્યાં. તું ગયો ત્યારે આટલી કરચલીઓ ન હતી એ વાત તારી સાચી; પણ ઉમ્મરની અસર શરીર પર તો વરતાય જ ને ?’’
‘‘મમ્મી, આપણે રોજ ઈન્ટરનેટ થ્રુ વાત કરતાં હતાં. વેબ કૅમેરા પર તમારા હસતા ચહેરા જોઈ હું ખુશ થતો હતો. ત્યારેય આ કરચલીઓ મેં નહોતી જોઈ. હું તો તમારો જોસ્સાભર્યો ‘યંગ’ અવાજ સાંભળીને વીચારતો કે મારાં
માબાપ કદી ઘરડાં નહીં થાય. હું તો કેવો નચીન્તપણે રહેતો હતો ! હું કેવો મુરખ છું ! દીકરા તરીકે સાવ નકામો.’’
‘‘ઓ બેટા, અમે તો ઘરડાં થયાં જ નથી. હા, શરીર ભલે ઘરડું દેખાય; પણ અમારા મનમાં ઘડપણ પેઠું નથી, ત્યાં સુધી તારે ચીન્તા કરવાની જરુર નથી. મનથી જો અમે ઘરડાં થઈએ ને, તો જાત જાતના ડરથી ઘેરાઈ જઈએ અને અમે કોઈ આધાર માટે ઝંખીએ. પણ તું જુએ છે ને, મારા અને તારા પપ્પામાં તને ઉત્સાહની જરાયે કમી નહીં વરતાય.’’ આશાબહેને કહ્યું.
અનંત કોઈ દલીલ નથી કરતો; પણ જુએ છે કે મમ્મી નીચે બેઠી હોય તો જાતે ઉભી થઈ શકતી નથી, એને ટેકાની જરુર પડે જ છે, ઝટ ચાલી શકતી નથી, દાદર ચડે તો હાંફ ચડે છે. રોજ સાંજે ધાબા પર જઈને સુર્યાસ્ત જોનારી મમ્મી હવે ધાબા પર જતી જ નથી. આ બધાં ચીહ્નો ઓસરતી શક્તીનાં છે. ઘડપણ ધમધોકાર આવી રહ્યું છે; છતાં મમ્મી કહે છે, ‘હું ઘરડી નથી !’ મમ્મીના આરામના કલાકો વધ્યા છે. બપોરે કદીય પગ વાળી નહીં બેસનાર મમ્મી, બપોરે રીતસરની ઉંઘી જાય છે. રાતે પપ્પા અને હું નીરાન્તે વાતો કરીએ; પણ મમ્મી તો વાતો કરતાં કરતાં જ ઉંઘી જાય અને છતાંયે તે કહે છે કે હું ઘરડી નથી થઈ ! ફોનમાંયે કદી એણે થાક કે કંટાળાની ફરીયાદ નથી કરી, કદીય નીસાસો નાખ્યો નથી કે, ‘દીકરા, તું દુર અને અહીં અમારે એકલાં રહેવાનું વસમું છે.’ પરન્તુ હકીકત તો એ છે કે મમ્મીની શક્તી ઘટતી જાય છે. વાસ્તવીક રીતે જોઈએ તો મમ્મીને સાચે જ આધારની જરુર હોય છે; પણ એ કંઈ કેમ કહેતી નથી ? કદાચ પરવશ થવાનું એને ગમતું નથી. એનાં ખમીર અને ખુમારી જરાયે ઘટ્યાં નથી. ઉત્સાહેય પહેલાં જેટલો જ છે.
મમ્મી રોજેરોજ રસોઈમાં મને ભાવતી નવી નવી વાનગી બનાવે છે. હું કહું છું, ‘ચાલો, આપણે બહાર જઈએ, બહાર જમી લઈશું.’ પણ એ એને કબુલ નથી. મમ્મીને બહારનું ખાવાનું પસંદ નથી. હું કહું છું, કાયમ માટે કોઈ રસોઈ કરનારને રાખી લો. તોય ‘હા’ કહેતી નથી !
અનંત જુએ છેઃ મમ્મી પહેલાંની જેમ એકદમ આનન્દમાં રહે છે, અલકમલકની કેટલીયે વાતો કરે છે. મમ્મીનો સ્પીરીટ જોઈ આશ્ચર્ય અનુભવતો અનંત પુછે છે, ‘મમ્મી, તારો મુડ કોઈ દીવસ બગડી જાય ખરો ?’
‘‘મુડ શું કામ બગડે ?’’
‘‘તારે જાતે બધું કામ ખેંચવું પડે છે. તને એવું નથી થતું કે દીકરો સ્વાર્થી છે, અમને એકલાં છોડીને પરદેશમાં પોતાનું સુખ જોયું !’’
‘‘બેટા, પંખીને પાંખો આવે તો ખુલ્લા આકાશમાં ઉડે, માળામાં કંઈ ન બેસી રહે.’’
‘‘પણ, તું ને પપ્પા તો એકલાં પડી ગયા ને ? ઘરનાં નાનાંમોટાં કામ જાતે કરવાનાં, બૅન્કમાં જવાનું, બધાં બીલો યાદ રાખીને ભરવાનાં, ગ્રોસરી ખરીદી લાવવાની, રોજેરોજ શાક લાવવાનું – આવાં બધાં કામ રોજેરોજ કરવાનો ઉત્સાહ કેવી રીતે જળવાઈ રહે ? મમ્મી, તું કેમ પરદેશ જતાં મને રોકતી નથી ? કેમ નથી કહેતી કે તું અહીં જ રહે ?’’
‘‘બેટા, હું તારી મા છું, કોઈ પારકી નથી કે તને પીંજરામાં પુરી દઉં, તારો વીકાસ અટકાવી દઉં. બેટા, વીશાળ આકાશમાં ઉડવાની તારી ઉમ્મર છે, તારામાં તાકાત છે, કૌશલ છે. જીવન ઉંચે ઉંચે ઉડવા માટે છે. તું આગળ વધ એનો મને આનન્દ છે, ગૌરવ છે.’’
અનંત પોતાની પ્રેમાળ માને મુગ્ધતાથી જોઈ રહ્યો. એ વીચારમાં પડી ગયો કે બધાં માબાપ પોતાનાં સન્તાનનો વીકાસ ઈચ્છે છે; પણ સન્તાન દુર જાય તે એમને નથી પાલવતું. જ્યારે મારી મા દીકરાના વીકાસ કાજે માબાપે એકલાં રહેવું પડે એ કેટલી સ્વાભાવીકતાથી સ્વીકારી લે છે ! એ માત્ર મારું જ હીત જુએ છે.
લાગણીભર્યા સ્વરે એણે પુછ્યું, ‘‘મમ્મી, તને મારા વગર સુનું સુનું તો લાગતું જ હશે; પણ તું કેમ ઉદાસ નથી થતી ?’’
‘‘દીકરા, મારો સ્વભાવ તો તું જાણે છે. ગમે તેવી અણગમતી પરીસ્થીતી હોય તોય હું લાંબો સમય ઉદાસ નથી રહી શકતી. દરેક પરીસ્થીતીમાં મને કંઈક તો સારું દેખાય જ છે.’’
‘‘મમ્મી, નાનપણથી જ તારો આવો સ્વભાવ હતો ? કદી ફરીયાદ નહીં, કદી ગુસ્સો નહીં, કદી ‘નકાર’ નહીં ?’’
‘‘ના રે દીકરા, નાનપણમાં તો મારો સ્વભાવ ગુસ્સાવાળો હતો. મારું ધાર્યું થાય નહીં કે મારું ગમતું મને મળે નહીં તો હું ગુસ્સે થઈ જતી અને ગુસ્સો કરવાથી કે જીદ કરવાથી કંઈ ન વળે તો હું નીરાશ–ઉદાસ થઈ જતી. એ ઉદાસીનતા લાંબો સમય રહેતી; પણ જેમ જેમ મોટી થતી ગઈ એમ સ્વભાવ કેળવાતો ગયો."
‘‘સ્વભાવ એમ જ અનાયાસ કેળવાય ? તો પછી બધા વડીલોના સ્વભાવ કેમ સ્વસ્થ અને સમતાગુણી નથી હોતા ?’’ અનંતે અધીરાઈથી પુછ્યું.
‘‘બેટા, સ્વભાવ કેળવવા માટે માણસે જાગ્રત થવું પડે. આત્મનીરીક્ષણ કરીને પોતાની ખામી અને ઉણપો શોધવાં જોઈએ અને એનાથી છુટવા સમજદારીપુર્વક પ્રયત્ન કરવા પડે, ત્યારે સ્વસ્થતા કેળવાય. આપણે જાતે જ આપણી જાતને કેળવવાની.’’
મમ્મીથી અભીભુત થતાં અનંત બોલ્યો, ‘‘મમ્મી તારામાં આ સુઝ ક્યાંથી આવી ? હું અહીં હતો ત્યારે તું મારામય થઈ ગઈ હતી. હું કૉલેજથી સહેજ મોડો આવું તો તું રાહ જોતી છેક દરવાજે ઉભી હોય. ઘરનું બારણું ખુલ્લું હોય અને કુતરું ઘરમાં પેસી જાય તેનીયે તને પરવા ન રહેતી. તું તો મારો અનંત હજી કેમ ન આવ્યો તેનું રટણ કરતી રહેતી. મને જુએ એટલે જાણે કેટલાંયે વરસે મને જોતી હોય એવી થઈ જતી. સાચું કહું મમ્મી, હું કેરીયર બનાવવા ત્યાં ગયો છું; પણ મારા હૈયાના એક ખુણે ચચરાટ રહે છે કે મારી મમ્મીનો હું ગુનેગાર છું. ઉતરતી અવસ્થામાં મારે તારી સાથે રહેવું જોઈએ એને બદલે હું દુર છું. મારો તો જીવ બળ્યા કરે છે.’’
‘‘બેટા, એવો જીવ ન બાળીશ. જો મારી આગળ તો મારી માનો દાખલો છે. ઘડપણમાં ગામડે એ એકલી જ રહેતી. ઘરમાં તદ્દન એકલી; પણ એકલાપણું કદી એને અકળાવતું નહીં. મારા ભાઈઓ શહેરમાં વસ્યા હતા. બા તો કહેતી, ‘દીકરાઓ તો ધંધાવ્યવસાય માટે દુર જાય. એ કંઈ ઢોર નથી કે એમને ખીલે બાંધી રખાય અને આપણા વાસના બધા માણસો આપણા જ છે ને !’ મારી બા ઓસરીમાં ખાટલો ઢાળીને બેઠી હોય અને જતાં–આવતાં લોકો સાથે વાતો કરતી હોય. દરેકનાં સુખદુ:ખ હેતથી ધ્યાનપુર્વક સાંભળે અને વાતવાતમાં એવી વાતો કહે કે સામા માણસમાં સુઝસમજ ખીલે, એ માણસની જીવન દૃષ્ટી કેળવાય અને પછી એ જાતે જ એની તકલીફોમાંથી માર્ગ કાઢે. ક્યારેક જરુરતમંદોને આર્થીક સહાય પણ કરતી. મારી બા કહેતી, ‘ભગવાનની મહેરબાનીથી આપણને શીક્ષણ અને સંસ્કાર મળ્યાં છે અને આ પાછલી ઉમ્મરમાં ભરપુર સમય મળ્યો છે તો એનો ઉપયોગ બીજાના ભલા માટે કરવાની આપણી ફરજ છે. જ્યારે આપણે બીજાંનાં દુ:ખ દુર કરીએ છીએ ત્યારે જે આનન્દ થાય છે એની તે શી વાત કરું ?’ અને હું અહીં ક્યાં એકલી છું? તારા પપ્પા તો છે મારી સાથે પછી શી ચીન્તા ? અને બેટા, તને તો ખબર છે કે બા પુરાં પંચાણું વરસ જીવ્યાં છતાં; હાથમાં ટેકણલાકડી પણ નહોતી પકડી અને કાને બરાબર સંભળાતું અને યાદશક્તીને તો જરાયે લુણો નહોતો લાગ્યો !
‘‘હું મારી બાને કોઈ વાર કહું કે તું એકલી ગામમાં કેમ પડી રહે છે ? તો એ કહેતી કે આ તો મારી પાઠશાળા છે. અહીંના માણસોનાં જીવન જોઈને મનેય જીવનનાં વીવીધ સ્વરુપો અને માનવમનની ગહેરાઈ અને શક્તીનો પરીચય થાય છે. એમની વાતો મારું ઘડતર કરે છે, મારી પરીપક્વતા વધારે છે. જીવનમાં મને રસ પડે છે, જીવવાનો મારો રસ વધે છે.
‘‘અનંત, મારી મા મારે માટે મારી રોલ–મૉડલ હતી. એની વાતો મને પ્રેરણા આપે છે.’’
‘‘મમ્મી, મારી રોલ–મૉડલ તું છે. કાયમ તારી પાસેથી શીખતો જ રહ્યો છું. તારો આ ઉત્સાહ આપણા સૌ માટે સંજીવની છે !’’ અનંતે કહ્યું.
‘‘આપણી પાસે જો સંજીવની છે તો દીકરા, હવેથી તું અમારી ચીન્તા નહીં કરતો. હા, કાળજી રાખજે. ઈન્ટરનેટ મારફત વાતો કરતો રહેજે અને પ્રસન્ન રહેજે.’’ આશાબહેને કહ્યું.
– અવન્તીકા ગુણવન્ત
પોસ્ટ :સંજય ભટ્ટ

.png)
0 comments:
Post a Comment